Website Sponsor

“શુભેચ્છા સંદેશ”

સુજ્ઞ જ્ઞાતિબંધુશ્રી,

સત્તાવીસ એકડા જૈન યુવક મંડળની સ્થાપના ૧૯૭૧ માં થયેલ. મંડળની સેવાયાત્રાનાં ૪૩ વર્ષ પૂરા થયા છે. આપણો સમાજ શહેર, ગ્રામ્ય વિસ્તાર, મુંબઈ, પૂના, અન્ય રાજ્યો તેમજ વિદેશમાં પણ સ્થાયી થયેલ છે.

શ્રી સત્તાવીસ એકડા જૈન યુવક મંડળે સૌ પ્રથમ સમગ્ર સમાજના સભ્યોની સરનામા સહિતની ટેલીફોન ડીરેક્ટરી બનાવવાનું વિચાર કરેલ તેમજ આપણા સમાજની ડીરેક્ટરીનું એકાકીકરણ થાય તે અત્યંત જરૃરી હતું.

તેવી જ રીતે સમાજની સર્વ પ્રથમ સમગ્ર સમાજના સભ્યોની "ઓનલાઈન વેબસાઈટ વસ્તીપત્રક" આજના યુગમાં અત્યંત જરૃરીયાત હોઈ સમાજને અર્પણ કરતાં અમો ગૌરવ અનુભવીએ છીએ.

આ શુભકાર્યમાં વેબસાઈટ ઓનલાઈન વસ્ત્રીપત્રકના દાતાશ્રી શ્રીમતી સુરેખાબેન પ્રવિણભાઈ કાંતિલાલ શાહ – સામેત્રીવાળા (ડી-કેબીન) નવપલ્લવ ઈન્ફ્રાસ્ટ્રકચર – ચિરાગ શાહ આ પરિવારે. યુવક મંડળને પ્રોત્સાહિત કર્યા છે. તે બદલ મંડળ આ પરિવારનો અંતઃકરણ પૂર્વક આભાર માને છે

આપણો સમાજ મૂળ ગામડામાં વસેલો હતો. સમયનાં વહેણની સાથે આપણા મૂળ ગામડાં તૂટતાં ચાલ્યાં અને ધંધા તથા વ્યવસાયની તકો લૂપ્ત થવા માંડી, દીર્ધ દૃષ્ટિવાળા આપણા સમાજના વડીલો ધંધા તથા વ્યવસાય માટે મૂળ વતન છોડી નવા વિકસતા શહેરો તથા ઔદ્યોગિક કેન્દ્રોમાં સ્થાયી બન્યા. આ રીતે સમાજની વ્યક્તિઓ એકબીજાથી દૂર થતી ગઈ. સમાજ સ્થિત્યાત્મક નહીં પણ ગત્યાત્મય હોય છે. દરેક સમાજમાં ઓછેવત્તે અંશે પરિવર્તન આવે છે. આપણા સમાજમાં આવેલા પરિવર્તનનું "શ્રી સત્તાવીશ એકડા જૈન સમાજ ઓનલાઈન વસ્તીપત્રક" એ પ્રતિબિંબ છે. ઘણા વર્ષા સુધી આપણાં સમાજમાં લગ્ન તથા મરણ પ્રસંગો પણ આપણે મૂળ વતનમાં ઉજવતાં અને આ રીતે આપણે આપણા સમાજના સંપર્કમાં રહી શકતા, પરંતુ વહેણ સાથે તાલ મિલાવી આપણે આપણાં રહેઠાણ વ્યવસાયના સ્થાનને જ આપણે મૂળ વતન બનાવી લીધું છે. અને આ રીતે આપણો સંપર્ક સમાજથી ધીરે ધીરે ઘટતો ગયો છે. ઘણી વખત તો એમ પણ બને છે કે આપણે આપણી સમાજની વ્યક્તિને નામથી પણ ઓળખી શકતા નથી. આ ઓનલાઈન વસ્તીપત્રક દ્વારા અમે આપણા સમાજની દરેક વ્યક્તિને ભૌતિક રીતે નહીં તો માનસિક રીતે તો ચોક્કસ એકબીજાની નજીક લાવી શકીશું.

હવે આપણો સમાજ ભારતના વિશાળ ફલક ઉપર ફેલાયેલો છે. સમાજની જુદી જુદી વ્યક્તિઓ જુદા જુદા વ્યવસાય તરફ વળી છે અને સમાજ સમૃદ્ધ થયો છે. તે આ ઓનલાઈન વસ્તીપત્રક ઉપરથી આપ જોઈ શકશો. આ વસ્તીપત્રક એ સમગ્ર સમાજનો ધંધાકીય, સામાજિક અને કેળવણી વિષયક 'સંદર્ભગ્રંથ' છે જે સમાજની દરેક વ્યક્તિને ઘણો જ ઉપયોગી થઈ પડશે.

યુવક મંડળ દિન-પ્રતિદિન સદ્કાર્ય કરી રહ્યું છે. સમાજલક્ષી, શિક્ષણ ક્ષેત્રે, મેડીકલ ક્ષેત્રે, ધાર્મિક ક્ષેત્રે તેમજ અન્ય આવા સુંદર કાર્યક્રમનું મંડળે આયોજન કરેલ છે. આ માટે સૌ જ્ઞાતિજનો તરફથી સાથ અને સહયોગ તેમજ ઉષ્માભર્યા સહકાર મળેલ છે.

આ ઓનલાઈન વસ્તીપત્રક બનાવવા માટે મહત્વની કામગીરીમાં મારા સાથીમિત્રો મંડળના ઉપપ્રમુખ શ્રી સુભાષ ભીખાલાલ શાહ (તલોદ), મંત્રી શ્રી પરેશ રસીકલાલ શાહ (ઉસ્માનપુરા), સહમંત્રી શ્રી મિનેષ પ્રકાશચંદ્ર દેસાઈ (નવા વાડજ), ખજાનચી શ્રી કમલ નવીનચંદ્ર શાહ (નારણપુરા) અને સભ્યશ્રી ઈશાન અશ્વિનભાઈ શાહ (સાબરમતી) નો હ્રદયપૂર્વક આભારી છું.

આ ઓનલાઈન વસ્તીપત્રક તેમજ સમાજનાં દરેક શુભકાર્યો સફળ બનાવવા પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે જ્ઞાતિબંધુઓએ સહકાર આપેલ છે તે સર્વે હાર્દિક અભિનંદનને પાત્ર છે

સતકાર્યમાં ભગવાનની સહાય તો મળશે જ તેવી શ્રદ્ધા છે. પરંતુ સમાજનાં વિકાસના કાર્યોમાં તન-મન-ધનથી મદદરૂપ થવા આપ સૌ સાથ અને સહકાર આપશો એવી આશા સાથે વિરમું છું.

આ ઓનલાઈન વસ્તીપત્રક બનાવવામાં ભૂલ ન રહે તે માટે સંપૂર્ણ પ્રયત્ન કરેલ છે, છતાં તેમાં શરતચુકથી ભૂલચૂક રહી ગઈ હોય તો તે બદલ મંડળને ક્ષમા આપશો તેવી આશા છે.

લિ.

શ્રી સત્તાવીસ એકડા જૈન યુવક મંડળ(ગુજરાત)
શાહ સંદીપ દિનેશચંદ્ર,
પ્રમુખ.

©2014 27ekdajainsamaj.com

Developed By : Ishan Shah